રામનવમી

આદર્શ અવતારી પુરુષ

  પ્રજાનું જીવન સુખી-સંતોષી અને વૈભવસંપન્‍ન કરનારા; ગુનેગારી, ભ્રષ્‍ટાચાર, રોગચાળો, મુશ્‍કેલીઓ ઇત્‍યાદિને નામશેષ કરેલા, એવા રાજ્‍યના નિર્માતા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામ અર્થાત્ બધી જ રીતે આદર્શ એવા અવતારી પુરુષ ! માતા-પિતાનું આજ્ઞાપાલન કરવા માટે વનવાસ ભોગનારા આદર્શ પુત્ર, એકપત્નીવ્રતી આદર્શ પતિ, રાજધર્મનું પાલન કરવા માટે ધર્મપત્નીનો ત્‍યાગ કરનારા આદર્શ રાજા એટલું જ નહીં, જ્‍યારે આદર્શ શત્રુ, અવતારી પુરુષ હોવા છતાં ધર્મપાલક એવા અનેક ગુણોનો સમુચ્‍ચય અર્થાત્ પ્રભુ શ્રીરામ ! એટલા માટે જ ત્રેતા યુગથી માંડીને આજ સુધી બધાયને રામરાજ્‍ય જ આદર્શ લાગતું આવ્‍યું છે.

આવા શ્રીવિષ્‍ણુના સાતમા અવતાર શ્રીરામ જન્‍મ પ્રીત્‍યર્થ શ્રી રામનવમી ઊજવે છે. ચૈત્ર સુદ નવમીને રામનવમી કહે છે. રામાયણના પારાયણ, કથાકીર્તન તથા રામમૂર્તિના વિવિધ શ્રૃંગાર કરીને ઉત્‍સવ ઊજવવામાં આવે છે. આ દિવસે પ્રભુ શ્રીરામનું વ્રત કરવાથી સર્વ વ્રતોનું ફળ પ્રાપ્‍ત થાય છે તેમ જ બધાજ પાપોનું ક્ષાલન થઈને અંતમાં ઉત્તમલોકની પ્રાપ્‍તિ થાય છે.

શ્રીરામનું અવતારી કાર્ય

પ્રત્‍યેક અવતારના કાર્યનું પ્રમાણ પ્રત્‍યેક યુગમાં જુદું હોય છે. રાવણ જેવા મહાવિદ્વાન અને ધર્મજ્ઞાતા જીવને નષ્‍ટ કરીને, પ્રભુ શ્રીરામજીએ સાધના કરનારા જીવોનું સંરક્ષણ કર્યું. શ્રીરામ સ્‍થૂળ સ્‍તર પર એટલા માટે પ્રગટ થયા, કે જેથી જીવોની સાધના યોગ્‍ય સ્‍વરૂપમાં થઈ શકે.

સ્‍થૂળ સ્‍તર પર ધર્મશક્તિનું પ્રગટીકરણ થવા સાથે જ અધર્મશક્તિ પણ ઉદય પામી. તેને કારણે ધર્મપાલન કરનારા જીવોને તેમજ ઋષિઓને ઘણાં જીવો ત્રાસ આપવા લાગ્‍યા. તે સમયે તેમનું રક્ષણ કરીને, બધા જ રાજાઓને રાજધર્મનું જ્ઞાન પ્રભુ શ્રીરામજીએ પોતે આચરણ કરીને શીખવ્‍યું.

સત્‍યયુગમાં જ્ઞાનયોગ દ્વારા સાધના કરનારા અનેક જીવોની વ્‍યષ્‍ટિ સાધના પૂર્ણ થઈ હતી; પણ તેમની સમષ્‍ટિ સાધના અપૂર્ણ જ રહી. સત્‍યયુગમાં સમષ્‍ટિ સાધના કરવા માટેનું કોઈ સાધન નહોતું, તેથી ઘણાં જીવો અટવાઈ પડ્યા હતા. તેમની ઉન્‍નતિ થાય અને તેમને મોક્ષ પ્રાપ્‍ત થાય તેથી તેમનો જન્‍મ વાનરના રૂપમાં થયો. કેટલાક શાપિત દેવતાઓનો જન્‍મ પણ આ સમયગાળા દરમ્‍યાન વાનરોનાં રૂપમાં થયો. આ બધા જ જીવોની સમષ્‍ટિ સાધના કરાવીને, તેમની ઉન્‍નતિ કરાવવા માટે શ્રીરામજીનો જન્‍મ થયો.

રામનવમીનું મહત્ત્વ

ત્રેતાયુગમાં જ્‍યારે રામજન્‍મ થયો, ત્‍યારે કાર્યરત રહેલો શ્રીવિષ્‍ણુનો સંકલ્‍પ, ત્રેતાયુગમાંના અયોધ્‍યાવાસીઓનો ભક્તિભાવ અને પૃથ્‍વી પરના સાત્ત્વિક વાતાવરણને કારણે પ્રભુ શ્રીરામના જન્‍મ-ઘટનાનું પરિણામ ૧૦૦ ટકા થયું હતું. ત્‍યાર પછી પ્રત્‍યેક વર્ષે આવનારી ચૈત્ર સુદ પક્ષ નવમીના દિવસે બ્રહ્માંડમાંના વાતાવરણમાં રામતત્ત્વનું પ્રક્ષેપણ કરીને વાતાવરણ સાત્ત્વિક અને ચૈતન્‍યમય બનાવવા માટે વિષ્‍ણુલોકમાંથી શ્રીરામતત્ત્વયુક્ત વિષ્‍ણુતત્ત્વ ભૂલોકની દિશામાં પ્રક્ષેપિત થાય છે અને તે દિવસે શ્રીરામ ભગવાનનો અંશાત્‍મક જન્‍મ થાય છે. તેનું પરિણામ સમગ્ર વર્ષ થઈને બ્રહ્માંડમાં રામતત્ત્વયુક્ત સાત્ત્વિકતા અને ચૈતન્‍યનું પ્રક્ષેપણ થાય છે. રામતત્ત્વયુક્ત સાત્ત્વિકતા અને ચૈતન્‍ય બ્રહ્માંડમાંના પ્રત્‍યેક સજીવ અને નિર્જીવ ગ્રહણ કરે છે અને તેથી તે તેમનું કાર્ય સારી રીતે કરી શકે છે.

શ્રીરામની ઉપાસના

શ્રીરામને અનામિકાથી (ટચલી આંગળીની બાજુમાં રહેલી આંગળીથી) ચંદન તિલક કરવું. ચંપો, ચમેલી અથવા જાઈના ફૂલો ચડાવવા. ચંદન, કેવડો, ચંપો, ચમેલીમાંથી કોઈ એક સુવાસની બે ઉદબત્તીથી આરતી ઉતારવી.

શ્રીરામનવમીનું આધ્‍યાત્‍મિક મહત્ત્વ : કોઈપણ દેવતા અને અવતારની જયંતી સમયે તેમનું તત્ત્વ પૃથ્‍વી પર વધારે પ્રમાણમાં કાર્યરત થાય છે. શ્રીરામનવમીને દિવસે શ્રીરામતત્ત્વ અન્‍ય દિવસોની તુલનામાં ૧૦૦૦ ગણું કાર્યરત હોય છે. શ્રીરામનવમીના દિવસે ‘શ્રીરામ જય રામ જય જય રામ ।’ નામજપ અને શ્રીરામ ભગવાનની ભાવપૂર્ણ ઉપાસના કરવાથી શ્રીરામતત્ત્વનો વધારેમાં વધારે લાભ થાય છે.

શ્રીરામરક્ષાસ્‍તોત્રનું પઠણ : જે સ્‍તોત્રનું પઠણ કરનારાનું શ્રીરામ દ્વારા રક્ષણ થાય છે, તે સ્‍તોત્ર શ્રીરામરક્ષાસ્‍તોત્ર છે. ભગવાન શંકરે બુધકૌશિક ઋષિને સ્‍વપ્નમાં દર્શન આપીને, તેમને રામરક્ષા સંભળાવી અને સવારે ઊઠીને તેમણે તે લખી લીધી. આ સ્‍તોત્ર સંસ્‍કૃત ભાષામાં છે. આ સ્‍તોત્રના નિત્‍ય પઠણથી ઘરની સર્વ પીડા અને ભૂતબાધા પણ દૂર થાય છે. જે કોઈ આ સ્‍તોત્રનું પઠણ કરશે તે ‘દીર્ઘાયુષી, સુખી, સંતતિવાન, વિજયી અને વિનયસંપન્‍ન થશે’, એવી ફળશ્રુતિ આ સ્‍તોત્રમાં કહેવામાં આવી છે. એ સિવાય આ સ્‍તોત્રમાં શ્રીરામચંદ્રજીનું યથાર્થ વર્ણન, રામાયણની રૂપરેખા, રામવંદન, રામભક્ત સ્‍તુતિ, પૂર્વજોને વંદન અને તેમની સ્‍તુતિ, રામનામનો મહિમા ઇત્‍યાદિ વિષયો અંતર્ભૂત છે.

રામરાજ્‍ય

પંચજ્ઞાનેંદ્રિય, પંચકર્મેંદ્રિય, મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર પર રામનું (આત્‍મારામનું) રાજ્‍ય હોવું એજ ખરું રામરાજ્‍ય છે. એવું નથી કે, માત્ર શ્રીરામ જ સાત્ત્વિક હતા, પરંતુ પ્રજાજનો પણ સાત્ત્વિક હતા; એટલા માટે રામરાજ્‍યમાં શ્રીરામના દરબારમાં એક પણ ફરિયાદ ન હતી.

સંદર્ભ : સનાતન સંસ્‍થાનો ગ્રંથ ‘વિષ્ણુ અને વિષ્ણુનાં રૂપો’ તેમજ લઘુગ્રંથ ‘શ્રીરામ’